USમાં 1,400 સ્ટોર્સ ધરાવતી બિગ લોટ્સે દેવાળું ફુંક્યું

કોલંબસ સ્થિત ડિસ્કાઉન્ટ હોમ ગુડ્સ રિટેલર બિગ લોટ્સે ચેપ્ટર 11 હેઠળની નાદારીની સુરક્ષા માટે મંગળવારે અરજી કરી હતી. કંપનીએ તેની મિલકતો અને બિઝનેસ પ્રાઈવેટ ઈક્વિટી કંપની નેક્સસ કેપિટલ મેનેજમેન્ટને વેચવાની યોજના બનાવી છે.

ફર્નિચર, હોમ ડેકોર અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી બિગ લોટ્સે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઊંચા ફુગાવા અને વ્યાજ દરોને કારણે તેના બિઝનેસમાં નુકસાન થયું છે. ગ્રાહકો તેમના હોમ અને સીઝનલ પ્રોડક્ટની ખરીદી બંધ કરી દીધી છે.

કરપ્સીની પ્રક્રિયા દરમિયાન બિગ લોટના ઘણા સ્ટોર્સ આવનારા દિવસોમાં બંધ થઈ જાય તેવી શક્યતા છે. હાલ કંપની અમેરિકામાં 30,000 કર્મચારી સાથે 48 રાજ્યોમાં 1400 જેટલા સ્ટોર્સ ચલાવે છે જેમાંથી 300ને ટૂંક જ સમયમાં તાળાં મારી દેવાની યોજના છે.

57 વર્ષ જૂની બિગ લોટ્સે પોતાનું કામકાજ ચાલુ રાખવા તેમજ એમ્પ્લોઈઝ અને વેન્ડર્સને પેમેન્ટ કરવા માટે 707 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું છે. બિગ લોટ્સ શેરના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 90 ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે.
હવે વોલમાર્ટ અને એમેઝોન પણ સસ્તી આઈટમ્સ વેચી રહ્યા છે અને ફેમસ ડિસ્કાઉન્ટ સ્ટોર્સથી પણ વધારે સારી ઓફર્સ ગ્રાહકોને આપવામાં આવી રહી છે જેથી ડોલર સ્ટોર્સ તેમજ બિગ લોટ્સ જેવા સ્ટોરના કસ્ટમર્સ હવે વોલમાર્ટ અથવા એમેઝોન તરફ વળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *